હકકમી અંગેની સંપૂર્ણ માહિતી

⚙ હકકમી શબ્દને સમજીએ?
  • સ્થાવર મિલકતના સંદર્ભમાં વહિવટમાં “હક્કમી” શબ્દનો અર્થ એવો થાય છે કે કોઈ મિલકતના સંયુક્ત કબ્જેદારો માંથી એક અથવા વધુ વ્યક્તિઓ પોતાનું હિત, હક અથવા કબ્જાનો ભાગ મિલકતના અન્ય સહકબ્જેદારો ને સોંપે છે અથવા તેમની તરફેણમાં છોડે છે. સરળ શબ્દોમાં કહીએ તો એક કબ્જેદાર પોતાનો હિસ્સો સ્વૈચ્છિક રીતે બીજા કબ્જેદારને છોડી આપે, તેને હક્કમીનો દસ્તાવેજ કહેવાય છે.
  • આ પ્રક્રિયાને અનેક વિસ્તારોમાં “મિલ્કતમાંથી ફારગતી નો લેખ”, “હક્કમીનો લેખ”, અથવા અંગ્રેજીમાં “Release Deed” તરીકે પણ ઓળખવામાં આવે છે. હક્કમીનો મુખ્ય હેતુ વારસાગત રૂપે મળેલી સંયુક્ત માલિકીમાં રહેલી અનિશ્ચિતતા અને વારસો વચ્ચેની ભાગ બાબતની ગૂંચવણને દૂર કરવાનો છે, જેથી જે વારસદાર વાસ્તવિક રીતે મિલકતનો ઉપયોગ કરે છે અથવા જેનું હક વાજબી છે, તેને સ્પષ્ટ, પૂર્ણ અને નિર્વિવાદ માલિકી પ્રાપ્ત થાય.
⚙ ખેતીની જમીનમાં હક્કમી કરવાની પ્રક્રિયા — સરળ ભાષામાં સમજીએ.
  • ખેતીની જમીન સંયુક્ત નામે હોય અને તેમાંમાંથી એક અથવા વધુ સહકબ્જેદારો પોતાનો હિસ્સો બીજા સહકબ્જેદારનેસોંપવા અથવા છોડી આપે, ત્યારે તે પ્રક્રિયા “હક્કમીનો લેખ” (ReleaseDeed) ધ્વારા કરવામાં આવે છે.
  • ખેતીની જમીનમાં હક્કમીની પ્રક્રિયા મુખ્ય રીતે ત્રણ પરિસ્થિતિઓ માં વહેંચાય છે:

(૧) એક જ પેઢીના કાયદેસરના વારસો વચ્ચે હક્કમી

જો જમીન એક જ પેઢીના સીધા સંબંધ ધરાવતા કાયદેસર વારસદારો વચ્ચે ફારગતી / હક્કમી કરવામાં આવે તો એવો દસ્તાવેજ રજીસ્ટરકરાવવાની ફરજ નથી.

✔ “એક જ પેઢી” તરીકે માન્ય સંબંધો:

  • ભાઈ – બહેન (માતાપિતાના બાળકો)
  • પુત્ર – પુત્રી
  • પૂર્વ મૃત્યુ પામેલા પુત્રનો પુત્ર (પૌત્ર)
  • પૂર્વ મૃત્યુ પામેલા પુત્રની પુત્રી (પૌત્રી)
  • પિતા – માતા
  • પતિ – પત્ની
  • ફોઇ અને તેમના કાયદેસરના વારસો

ઉપરોક્ત સંબંધના કાયદેસર વારસો વચ્ચે હક્કમી કરવામાં આવે તો:


પ્રક્રિયા (Process)

  • માત્ર ૨૦૦/- ના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પપર નોટરી સામે રૂબરૂ હક્કમીનો લેખ કરી શકાય છે/ અને તેની નોધ થઇ શકે છે. ગુજરાત રાજ્યમાં મોટા ભાગે આવા લેખ કરવા માટે ૨૦૦/-ની જગ્યાએ ૩૦૦/-નો સ્ટેમ્પ વાપરવાની પ્રથા રહેલ છે તે પણ એક યોગ્ય પ્રથા ગણી શકાય.આ માટે સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સની કચેરી, સ્ટેમ્પ અને નોંધણી ભવન, પહેલો માળ, ખ-પ, સેકટર-૧૪,ગાંધીનગર.પરિપત્ર તારીખ 05/08/2019 ધ્વારા ૨૦૦/-નો સ્ટેમ્પ વાપરવાસ્પષ્ટ કરવામાં આવેલ છે.

નોંધ :

આ માટે સબ જીસ્ટાર કચેરીએ હકકમી અંગે ના લેખને રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત નથી,પરંતુ જો આવો કોઇ લેખ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો પણ 200/- ના સ્ટેમ્પ પર કરી શકાય છે.

(૨) એક જ પેઢી સિવાય અન્ય કોઈ વ્યક્તિ / તૃતીય વ્યક્તિને હક છોડવો હોય તો

જો હક્કમી એક જ પેઢીના સંબંધો સિવાય: અન્ય કોઈ સગા,, ઉતારામાં નામ ધરાવતા કોઈ અન્ય સહકબ્જેદાર, અથવાઅન્ય તૃતીય વ્યક્તિને કરવામાં આવે તો:

પ્રક્રિયા (Process)

  • એવો હક્કમીનો લેખ Sub-Registrar Office (SRO) માં રજીસ્ટર કરાવવો ફરજિયાત છે. આ માટે,

સ્ટેમ્પ ડ્યૂટી:

  • જંત્રી મૂલ્ય (Jantri Value) અથવાકરાર મુજબની રકમ અવેજ્ની રકમ
  • (Consideration Amount) આ બન્ને પૈકી જે વધુ હોય તેના આધારે સ્ટેમ્પ ડ્યૂટી ગણવામાં આવે છે.અને તે મુજબની સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશનફીસ વાપરી આવા લેખ સબ રજીસ્ટાર કચેરીએ રજિસ્ટર કરાવી શકાય છે. આવા લેખ નોટરી રૂબરૂ નોધવાથી તે અંગેની નોધ રેકર્ડે થઇ શકતી નથી,

(૩) “એક જ પેઢી” હોવા છતાં પણ રજીસ્ટ્રેશન ફરજિયાત બનતી પરિસ્થિતિ

એક જ પેઢીના વારસો વચ્ચે હક્કમી કરવામાં આવી રહી હોય, પરંતુ તેમાં અવેજી લેવડદેવડ (Consideration) દર્શાવેલ હોય અને તેની રકમનો સ્પષ્ટ ઉલ્લેખ હક્કમીના લેખમાં હોય, તો એવો હક્કમી લેખ માત્ર 200/- ના સ્ટેમ્પ પર નોટરીથી માન્ય ગણાતો નથી. આવા કિસ્સામાં,

  • રજીસ્ટ્રેશન ફરજિયાત બની જાય છે.
  • સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી અવેજની રકમ અને પ્રવર્તમાન જંત્રી મૂલ્ય (Jantri Value) પૈકી જે વધુ હોય તે આધારે કરવામાં આવે છે.
  • તેના આધારે યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી અને રજીસ્ટ્રેશન ફી ભર્યા પછી Sub-Registrar Office (SRO) ખાતે લેખનું રજીસ્ટ્રેશન થાય છે.

સંક્ષિપ્ત સાર (Key Takeaways)

પરિસ્થિતિ : એક જ પેઢીના કાયદેસરના વારસો વચ્ચે હક્કમી
પ્રક્રિયા : 200/- ના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પર નોટરી
રજીસ્ટ્રેશન : જરૂરી નથી
પરિસ્થિતિ : અન્ય સગા / તૃતીય વ્યક્તિને હક્કમી
પ્રક્રિયા : Sub-Registrar Office માં રજીસ્ટ્રેશન ફરજિયાત
રજીસ્ટ્રેશન : Jantriઅથવા Consideration માંથી વધારે અનુસાર સ્ટેમ્પ
પરિસ્થિતિ : એક જ પેઢી હોવા છતાં અવેજી વ્યવહાર હોય
પ્રક્રિયા : Registration ફરજિયાત
રજીસ્ટ્રેશન : Jantriઅથવા Consideration માંથી વધારે અનુસાર સ્ટેમ્પ
⚙ હક્કમીનો લેખ બનાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

હક્કમીનો લેખ (Release / Relinquishment Deed) બનાવતી વખતે નીચેની બાબતોનું ચોક્કસ અને પૂર્ણ ઉલ્લેખ કરવો ફરજિયાત છે. જમીનના અધિકાર હસ્તાંતરણનો આ દસ્તાવેજ ભાવિ વિવાદોમાં મહત્વપૂર્ણ સબૂત બને છે, તેથી દરેક માહિતી સ્પષ્ટ અને નિર્વિવાદ હોવી જોઈએ.

હક આપનાર અને હક મેળવનારની સંપૂર્ણ ઓળખની વિગતો

હક્કમીના લેખમાં હક આપનાર અને હક મેળવનાર બંને પક્ષોની ઓળખ સંબંધિત વિગતો — જેમ કે નામ, પિતા/પતિનું નામ, ઉંમર, ધંધો/વ્યવસાય અને રહેઠાણનું સંપૂર્ણ સરનામું — સચોટ અને પૂર્ણ રીતે દર્શાવવી ફરજિયાત છે, કારણ કે આ વિગતો ભવિષ્યમાં કોઈ પણ કાયદાકીય ચકાસણી અથવા દસ્તાવેજની સત્તાવાર પ્રમાણિકતા માટે વ્યક્તિની ઓળખ સાબિત કરવાનો મુખ્ય આધાર બને છે.

ખેતીની જમીનની સંપૂર્ણ વિગતો

જમીન સંબંધિત વિગતોમાં કોઈ અનિશ્ચિતતા ન રહે તે માટે હક્કમીના લેખમાં ખાતા નંબર, સર્વે નંબર/બ્લોક નંબર, જુનો સર્વે નંબર હોય તો તેની વિગતો, જમીનનું ક્ષેત્રફળ (હેક્ટર–આરે–ચો.મી.), તેમજ જમીન પર આવેલ કોઈ રચના, સુવિધા, બોર/કૂવો,અથવા અન્ય હિત (encumbrance) નો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જરૂરી છે, જેથી હકક્મી અંગેની નોધ થયા બાદ સંબંધિત માહિતી ઉતારામાં સચોટ અને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત થાય.

નોંધ :

  • ખેતીની જમીનના કિસ્સામાં એક જ ખાતા (૮-અ) હેઠળ આવતાં તમામ સર્વે નંબર પૈકી કોઈ એક સર્વે નંબરને છોડી રાખીને કે માત્ર કેટલાક સર્વે નંબરો પર હક્કમીકરી શકતા નથી આનું કારણ એ છે કે ઈ-ધરા કેન્દ્રમાં હક્કમી માટે અરજી કરતી વખતે “આખુ ખાતું (૮-અ)” પસંદ કરવું ફરજિયાત હોય છે, અને ખાતા હેઠળના અલગ–અલગ સર્વે નંબરોને વ્યક્તિગત રીતે પસંદ કરવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.
  • વધુમાં, જો સંબંધી ખેતીની જમીન એકથી વધુ ગામોમાં આવેલી હોય, તો દરેક ગામની જમીન માટે અલગ–અલગ હક્કમીના લેખ (Release Deed) બનાવવાના વધુ હિતાવહ છે. એક જ લેખમાં બધા ગામનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી કારણ કે દરેક રેવન્યુ ગામ દિઠહકકમી અંગેની અલગ અલગ નોધ કરવામાં આવે છે,
⚙ મરણ હક્કમી ક્યારે કરવામાં આવે છે અને તેની પ્રક્રિયા શું છે?
  • મરણ હક્કમી તે સમયે કરવામાં આવે છે જ્યારે ગુજરનાર વ્યક્તિના તમામ કાયદેસરના વારસોના નામ જમીનના રેકર્ડ (ઉતારા / 7/12 / 8-અ) પર પહેલેથી જ કબ્જેદાર તરીકે દાખલ હોય. એવા કિસ્સામાં ગુજરનારની વારસાઇ (Mutation by Heirship) કરવાની જરૂર નથી. તેના બદલે મરણ હક્કમીનીએન્ટ્રી દ્વારા માત્ર ગુજરનારનું નામ રેકોર્ડમાંથી કમી કરવામાં આવે છે.
  • જો ગુજરનાર વ્યક્તિ નિર્વંશ (કોઈ સીધી લીટીના વારસ વગર) મૃત્યુ પામેલ હોય અને જમીનના રેકોર્ડમાં આડી લીટીના તમામ કાયદેસરના વારસો પહેલેથી જ દાખલ હોય, તો પણ મરણ હક્કમી માન્ય રીતે થઈ શકે છે. પરંતુ શરત એ છે કે આડી લીટીના બધા જ વારસોના નામ રેકોર્ડમાં હાજર હોવા જોઈએ.

મરણ હક્કમી કરવાની પ્રક્રિયા

મરણ હક્કમી માટે નીચેની કાર્યવાહી જરૂરી છે:

  • ₹50 ના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પર
  • ગુજરનારના કાયદેસરના વારસદાર પૈકી ગમે તે એક વ્યક્તિ
  • નોટરી સમક્ષ રૂબરૂ Declaration (ઘોષણાપત્ર) આપે છે,
  • જેમાં સ્પષ્ટ લખવું જોઇએ કે:
  • “ગુજરનારના નામે ચાલતી નીચે મુજબની મિલકત(વર્ણન-ગામ-તાલુકો-ખાતા નંબર-સર્વે નંબર -ક્ષેત્રફળ)નાયઉતારામાંગુજરનારના તમામ કાયદેસરના વારસો પહેલેથી જ દાખલ છે અને કોઈ વારસ દાખલ કરવાનો બાકી નથી, તેથી ગુજરનારનું નામ કમી કરવામાં આવે.” આ ડેક્લેરેશન અને મરણના દાખલા તથા ગુજરનારના પેઢીનામાના આધારે ઈ-ધરા કેન્દ્ર ખાતે મરણ હક્કમીની એન્ટ્રી કરવામાં આવે છે.
⚙ હક્કમી અને મરણ હક્કમી માટે ઈ-ધરા કેન્દ્ર ખાતે જમા કરાવવાના દસ્તાવેજો
  • મનીચે બંને પ્રકારની નોધ માટે જરૂરી દસ્તાવેજોની અલગ–અલગ અને સ્પષ્ટ યાદી આપવામાં આવે છે:

(૧) હક્કમી (Release / Relinquishment) માટેજરૂરીદસ્તાવેજો

  1. હક્કમીનો લેખ (Release Deed)
    • રજીસ્ટર કરેલો હોય તો Sub-Registrar Office (SRO) દ્વારા આપેલી પ્રમાણિત નકલ
    • એકજ પેઢીના વારસો વચ્ચે હક્કમી હોય તો ₹200 ના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પર નોટરી કરેલો લેખ
  2. બંને પક્ષો (હક આપનાર અને હક મેળવનાર) ના ઓળખ અને રહેઠાણના પુરાવા

    જેમકે:

    • આધારકાર્ડ/PAN કાર્ડ/પાસપોર્ટ
    • અન્ય માન્યસરનામા પૂરાવા (Driving Licence / Ration Card/ Electricity Bill વગેરે)
  3. જમીનના રેકર્ડની નકલ
    • તાજેતરના 7/12 ઉતારો
    • 8-અ (ખાતાવહી)
  4. સંબંધનો પુરાવો (પેઢીનામું / પેઢીનામુંઉતારો / વારસાઇનીનકલ)
    • ખાસ કરીને ત્યારે જરૂરી બને છે જ્યારે એકજ પેઢીમાં હક્કમી બતાવવાની હોય ત્યારે લેખમાં દર્શાવેલ પક્ષોવચ્ચે ના વારસાગત સંબંધને સાબિત કરવો જરૂરી હોય.

(૨) મરણ હક્કમી માટે જરૂરી દસ્તાવેજો

  1. ગુજરનાર વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર (Death Certificate)
  2. તમામ વારસો દાખલ છે તે સાબિત કરવા માટેના પુરાવા
    • ગુજરનારનું પેઢીનામું અથવા
    • વારસાઇ અંગેની નોંધ નંબર / હકપત્રક, જેમાં તમામ કાયદેસરના વારસો દર્શાવવામાં આવ્યા હોય
  3. ઘોષણા પત્ર (Declaration / Affidavit – ₹50 નો નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ)
    • ગુજરનારના કાયદેસર વારસો માંથી કોઈ એક વ્યક્તિ દ્વારા નોટરી સમક્ષ રૂબરૂ
  4. જમીનના રેકર્ડની નકલ
    • તાજેતરનો 7/12 ઉતારો
    • 8-અ (ખાતાવહી)
બિનઅવેજી હક્કમી (Without Consideration Release Deed) કોણ કરાવી શકે?

જવાબ બિનઅવેજી હક્કમી એ એવી પ્રક્રિયા છે જેમાં કોઈ વ્યક્તિ પોતાનો હિસ્સો અથવા હક જમીનમાં *કોઈ રકમ લીધા વગર (અવેજ વગર)* પોતાના જ કુટુંબના અન્ય સહકબ્જેદારને સ્વૈચ્છિક રીતે સોંપે છે.

આ પ્રકારની હક્કમી સામાન્ય રીતે કુટુંબના સભ્યો વચ્ચે સંયુક્ત મિલકતમાંથી હિસ્સો છોડી આપવા માટે કરવામાં આવે છે.

  • 📌 બિનઅવેજી હક્કમી કાયદેસર રીતે નીચેના સંબંધોમાં થઈ શકે:
    • ભાઈ – ભાઈ
    • ભાઈ – બહેન
    • પિતા – પુત્ર / પિતા – પુત્રી
    • માતા – પુત્ર / માતા – પુત્રી
    • પૌત્ર / પૌત્રી (પૂર્વ મૃત્યુ પામેલા પુત્રના સંતાન)
    • પતિ – પત્ની
    • ફોઈ અને ફોઈ ગુજરતા એમના કાયદેસર વારસો
  • 📌 નોંધ:
    • આ પ્રકારની હક્કમી માત્ર એક જ *વારસાગત આંબામાં* આવતા (*એક જ પેઢીના*) કાયદેસર વારસો વચ્ચે જ માન્ય છે.
    • સંયુકત *વણવહેંચાયેલી મિલકત* માટે આ પ્રક્રિયા કરી શકાય છે.
    • પરંતુ *એક વખત મિલકતની વહેંચણી (Partition) થઈ ગયા બાદ*, આવા વ્યવહારો સ્ટેમ્પ ડ્યૂટીના નિયમો હેઠળ આવે છે અને રજીસ્ટ્રેશન ફરજિયાત બને છે.
હકકમી અને મરણ હકકમી માટે GujaratForms તમને કેવી રીતે મદદ કરે છે?

જવાબ કામ સરળ, દસ્તાવેજ સચોટ, સમય બચત!

  • 📌 બિનઅવેજી હકકમીમાં મદદ [GujaratForms તમારી માટે] :
    • જરૂરીનોટરી સ્ટેમ્પ તૈયાર કરે છે અને E-Dhara કેન્દ્ર માટેના જરૂરી ફોર્મ બનાવી આપે છે
  • 📌 મરણ હકકમીમાં મદદ [GujaratForms તમારી માટે] :
    • ₹50/- ના સ્ટેમ્પ પર જરૂરીનોટરી સોગંદનામું તૈયાર કરે છે અને E-Dhara કેન્દ્રમાં રજૂ કરવાના ફોર્મ બનાવી આપે છે
એક વખત હક્કકમીથી બહેનોનું નામ કમી થયેલું હોય અને રેકોર્ડમાં ભાઈઓ સાથે માતા–પિતામાં કોઈ એકનું નામ ચાલુ હોય; પછી માતા–પિતાનું મૃત્યુ થાય તો — બહેનોના નામ ફરી દાખલ કરવા પડે?

જવાબ (ઉદાહરણથી સમજીએ)

હા. બહેનોના નામ ફરી રેકોર્ડમાં દાખલ કરવા પડે છે.

  • 📌 ઉદાહરણ
    • જમીન કુલ 4 કટકા = 100%
    • તેમાં 75% હિસ્સો (માતા અને એક બહેનનું નામ કમી થયા બાદ) → બે ભાઈઓના નામે
    • બાકી 25% પિતાનો હિસ્સો
    • માતાનું મૃત્યુ પહેલાથી થઈ ચૂક્યું છે
  • 📌 પિતાના મૃત્યુ બાદ
    • આ 25% હિસ્સો ફરીથી 3 સંતાનો (2 ભાઈ + 1 બહેન) વચ્ચે સમાન રીતે વહેંચાશે.
  • 📌 દરેકને ⇒ 25% ÷ 3 = 8.33% (25/3%)
  • 📌 સાર
    • બહેનને 8.33% હિસ્સો ફરીથી મળે છે.
    • તેથી રેકોર્ડમાં બહેનનું નામ ફરી દાખલ કરવું ફરજિયાત છે.
    • ભલે તેનું નામ પહેલા હક્કકમીથી કમી કરાવેલું હોય.
મરણ હક્કમી ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે?

જવાબ મરણ હક્કમી ત્યારે કરવામાં આવે છે જ્યારે ગુજરનારના બધા કાયદેસર વારસો પહેલેથી જ જમીનના રેકોર્ડમાં (7/12, 8-અ) દાખલ હોય. આવા કિસ્સામાં વારસાઈ કરવાની જરૂર નથી, ફક્ત ગુજરનારનું નામ રેકોર્ડમાંથી કમી કરવામાં આવે છે. જો ગુજરનાર નિર્વંશ હોય અને આડી લીટીના બધા વારસો રેકોર્ડમાં હોય, તો પણ મરણ હક્કમી થઈ શકે છે.

  • 📌 પ્રક્રિયા:
    • ₹50 ના સ્ટેમ્પ પર વારસમાંથી કોઈ એક વ્યક્તિ નોટરી સમક્ષ Declaration આપે
    • જેમાં લખેલું હોય: “બધા વારસો પહેલેથી જ દાખલ છે, કોઈ વારસ બાકી નથી; તેથી ગુજરનારનું નામ કમી કરવામાં આવે.”
  • 📌 Declaration + Death Certificate + પેઢીનામું*ના આધારે ઈ-ધરા કેન્દ્ર ખાતે મરણ હક્કમી થાય છે.
હક્કમી માટે કેટલાનો સ્ટેમ્પ વાપરવો પડે?

જવાબ જો હક્કમી એક જ પેઢીના વારસો (પિતા–પુત્ર, ભાઈ–ભાઈ, પતિ–પત્ની વગેરે) વચ્ચે બિનઅવેજી રીતે થાય, તો માત્ર ₹200 નો નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પૂરતો છે. — રજીસ્ટ્રેશન ફરજિયાત નથી, ઇચ્છા મુજબ કરાવી શકાય.

  • જો હક્કમી અન્ય વ્યક્તિ કે તૃતીય પક્ષ વચ્ચે હોય અથવા પૈસા લેવડદેવડ (અવેજ) સાથે થાય, તો રજીસ્ટ્રેશન ફરજિયાત છે અને જંત્રી મૂલ્ય અથવા અવેજની રકમ પૈકી જે વધુ હોય તે મુજબ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે.